વધતી ઉંમર ..??
એકપછી એક “વન” કપાતા જાય છે ઝાડી ઝાંખરા દૂર કરતા જઈએ એમ કેડીઓ દેખાય, જો કે મારા જેવા ને ચીલે ચાલવા ની ટેવ નહિ એટલે ક્યાંક જુદું જ ચાતરવા ચડીએ ને પડીએ પણ ખરા ..!
જોડે રાખીએ પણ એવા લોકો ને કે જેમને ચીલા ચાતરવા હોય..!
ગઈકાલે એક સમાચાર આવ્યા , મારાથી પંદરેક વર્ષ મોટા ધંધાકીય મિત્રના દિકરા અને દિકરી એ દસ લાખ રૂપિયામાં એક સ્ટાર્ટ અપ ચાલુ કર્યું હતું થોડાક સમય પેહલા અને એ સ્ટાર્ટ અપ ની અંદર ઇન્વેસ્ટર એ નેવું ગણું ઇન્વેસ્ટ કર્યું..!! એટલે કે નવ કરોડ રૂપિયા ..!! એક આખો નવો જ ચીલો ચાતર્યો.!
સમાચાર સાંભળ્યા અને કોણ જાણે કેમ મને હ્રદયમાં આનંદ આનંદ થઇ ગયો હૈયું ભરાઈ આવ્યું , એ બંને ભાઈબેહન સાથે મારે પર્સનલ ટચ પણ ખરો,
છતાં પણ મારી અને લગભગ આપણા બધાની પ્રકૃતિ રહી છે જે કે ભાઈબંધ ફેઈલ થાય તો બહુ દુ:ખ થાય ,પણ પેહલા નંબરે આવે તો ભયંકર દુ:ખ થાય ..!!
તો આવું કેમ થયું ? કેમ આનંદ થયો ? તો પછી પેલા ભાઇબેન નવ કરોડ કમાઈ ગયા તો મને કેમ આનંદ થયો ?
આત્મજ્ઞાન લાધી ગયું મને ..આજે એ “આત્મજ્ઞાનની” વાત..!!!
લગભગ દરેક માણસ માત્રની આ પ્રકૃતિ સ્કુલ કોલેજના સમયમાં રહી હોય છે, અને તકલીફ ત્યાં આવે છે કે ધીમે ધીમે જેમ જેમ મોટા થઈએ એટલે આ જ પ્રકૃતિ વ્યહવારમાં પણ આવતી હોય છે, સીબલીંગ ,સાઢું , સાળા ,કઝીન્સ આ બધામાં અંદર અંદર આર્થિક કોમ્પિટિશન થતી જ હોય છે,
એમાં પછી કોઈક થોડોક દૂર નો હોય અને વધારે “ચડ્યો” હોય ને પછી “ઉઠી” જાય તો બહુ આનંદ આવે , અને વધારે પડતો નજીક નો હોય તો સેહજ મદદ કરી ને ઉભો કરે , પણ ઠપકો એવી રીતે આપે કે પેલો જેટલી વાર મળે એટલી વાર નીચી નજરે જોઈ ને ચાલે..!
એક સમય હતો જ્યારે ભણવામાં હું નાપાસ થતો ત્યારે ઘણા મિત્રો મને છાનો રાખવા આવતા, પણ પછી હું મારા જેવા નપાસીયા શોધી લેતો અને પાછો ઢોર બની જતો,
હું ચોપડી ખોલતો અને એમાં કોઈ અર્થપૂર્ણ ટોપિક ના હોય એટલે હું છોડી દઉં.. હટ ભંગારીયો ,સાલા એ (લખનાર) એના મગજ નો કચરો ઠાલવ્યો છે, બહુ નાનપણથી મને ભૂમિતિ અને ભૂગોળ અજીબો ગરીબ લાગતાં , ટ્યુશન ના સરો ની સામો પડી જતો અને ત્યારે એમને હું ઈમ્પોસીબલ લાગતો ,છેવટે એવા સ્ટેટમેન્ટ આવતા કે શૈશવ નું ભેજું બહુ ફળદ્રુપ છે પણ ઘાસ ઉગાડે છે..!!
આજે હવે એમ લાગે છે ઠીક મારા ભાઈ, જે કામ કે ધંધો કરવાનો હતો એ તો જીવનમાં બહુ ઓછા લોકો એ ભણાવ્યું..!!
પણ એ સમયે બહુ દઢતાપૂર્વક માનતો હતો કે નસીબ ના જોરે બધા પાસ થાય છે અને ફેઈલ થાય છે કે પેહલા નંબરે આવે છે..!!
ભણ્યા પછી ધંધે ઉતર્યા ત્યારે પણ તકદીર ને બળિયું ગણ્યું , પણ ફાવટ ના આવી પછી મંથન ચાલુ થયા પેહલા મનોમંથન અને પછી બીજા ના મન જોડે થોડીક ચોપડીઓ એવું બધું ચાલુ કર્યું ..!
પેહલું “આત્મજ્ઞાન” લાધ્યું મુંબઈ ના નરીમાન પોઈન્ટ ઉપર..
નેવું ના દાયકા ની શરૂઆત, એક કંપની ની લંચ માટેની મીટીંગ બિલકુલ નરીમાન પોઈન્ટ ઉપર આવેલી સાત સિતારા હોટેલમાં લંચ ફાઈવ કોર્સ , લગભગ ચાર કલાક એમાં કાઢ્યા પછી ઉતારે ગયા, સી ગ્રીન સાઉથમાં ..
સાંજ પડી ત્યારે એક લોકલ મુંબઈ નો મિત્ર આવ્યો મને ઉઠાવવા ..ચલ ..! સુરજ ઢળતો જતો હતો ,આંખ સામે અરબ સાગર હિલોળા લ્યે પેહલા તો છેક છેડે પથરા ઉપર જઈને ઉભો રહ્યો ..!!
જમણે મરીન ડ્રાઈવ, ડાબે દરિયો પાછળ પેલી સાત સિતારા હોટલ ,સામે દૂર બોમ્બે હાઈ નો ભડકો મધદરિયે દેખાય..!!
મગજ ચાલવાનું ચાલુ થયું ..દરેક વખતે આજ સુધી નસીબ ને ગણતો આવ્યો છે તો નજર માર .. આ સામે રહેલું બોમ્બે હાઈ નસીબ થી બન્યું કે પ્લાનિંગ થી ? વડગાદી ના કે પંચરત્ન ના વેપલા નસીબથી કુટાય કે મેહનત અને નોલેજથી ? નસીબ નસીબ કરી ને તે કેટલા ની જેલસી કરી ?
લે કર હજી તારી સામે આખી દુનિયા પડી છે..સળગી મર ..!
જાત જોડે જદ્દોજેહદ ચાલી રહી હતી , સુરજ અરબ સાગરમાં સમાઈ ગયો હતો.. મોહમયી માયા નગરી ની બત્તીઓ ધીમે ધીમે સળગી રહી હતી..
મારી જાત ને મેં કીધું ઉંધો ફર બેવફૂફ ,જો કેટલા ફ્લેટ્સ દેખાય છે ? દરેક ની કિંમત કરોડ કરોડ રૂપિયા છે,ચલ હોશિયાર ગણવાના ચાલુ કર કેટલા કરોડપતિ છે ? ગામ આખા ના નળિયા ગણવાની ટેવ છે નહિ તને લે ગણી લે ,ટણપા..!
મારી ડાબી બાજુ તારલા ઝબુકતા હતા ને જમણી બાજુ મુંબઈ ઝબકે ..!!
એક-એક લાઈટ એક-એક કરોડપતિ ની હતી.. તારલા અને કરોડપતિઓ ની સંખ્યા કદાચ સરખી થાય એવો ઘાટ થયો ..!!
અસહ્ય થઇ ગયું મારા માટે મન ઈર્ષ્યા થી ભડભડ સળગી ગયું ..
મેં મિત્ર ને કીધું નીકળ ચલ અહીંથી .. સહન ના થાય ત્યાંથી ભાગી છૂટવું એ અવગુણ ..!
પેલો બોલ્યો ક્યાં પબ ?
મેં કીધું ના બાબુલનાથ ..!!
ધડાધડ ટેકરી ચડી ગયો, બે ઘડા ભરીને પાણી ચડાવી દીધું બાબુલનાથ ઉપર..!!
મન શાંત ના થાય , ફરી બાબુલનાથની ટેકરી ઉપરથી દક્ષીણ મુંબઈ નો ઝગમગાટ દેખાય ને મને મનમાં ઉદ્વેગ થાય ,આટલા બધા કરોડપતિ અને હું ભિખારી ..!! મારી જોડે કેમ કરોડ રૂપિયા નહિ ? એસીડીટી થઇ ગઈ વિચારી વિચારી ને..!
બાબુલનાથથી સીધો ક્રીમ સેન્ટર ,ચણાપૂરી ઝાપટયા સામે સુખ સાગરમાં મિલ્કશેક પીધો ફરી પાછો નરીમાન પોઈન્ટ ઉપર..!!
મોડી રાત સુધી ત્યાં જ બેઠો રહ્યો કરોડપતિ થવું કેવી રીતે ?
એમ કોઈના નળિયા ગણે મેળ ના પડે શૈશવ.. કરોડ રૂપિયા કમાવવા માટે એણે શું કર્યું ? એના માટે એણે કેટલું જ્ઞાન લીધું ?કેટલી મેહનત કરી ? કેટલું જ્ઞાન ને એપ્લાય કર્યું ? કેવી રીતે કર્યું ? કેટલું રિસ્ક લીધું ? અને આ બધું તું કરી શકે તેમ છે તો એની જેમ કરોડ રૂપિયા તારા ..!!!
ઇઝી થઇ ગયું આટલા સવાલ મળ્યા એટલે જવાબો આપોઆપ મળી ગયા, સી ગ્રીનમાં જઈને ઉન્ધો પડી ને ઊંઘી ગયો, ઉઠી ને છત્રપતિ વિમાન પતન સ્થળ ઉપરથી વેહલી સવાર નું જહાજ પકડી ને અમદાવાદ..!
જ્ઞાન ,મેહનત અને એ પણ સાચી દિશાની જ્ઞાન નો ઉપયોગ કરી કરી ને..!!
પણ પેલો છૂપો ઈર્ષ્યા નો ભાવ ? કયારેક આવે ક્યારેક જાય..!
આત્મજ્ઞાન નંબર બે ,ત્રણ ,ચાર, પાંચ…!!
ધીમે ધીમે ઉંમર વધતી ગઈ, અને ક્યારેક એવું પણ થવા માંડ્યું કે ઈર્ષ્યા નું કેન્દ્ર હું બનવા માંડ્યો ,સામેવાળા ના વર્તન ક્યારેક મને વિચિત્ર લાગવા માંડ્યા , અહંકારમાં જવાબ આપું તો જુના સબંધ તૂટી જવાના આરે આવી જતા ફરી એકવાર ક્યાંક બેસી ને વિચારવા નો સમય ..અમદાવાદના રસ્તે રખડતા રખડતા જ “જ્ઞાન” આવવા માંડ્યું ..!
સારું બોલો ,સાચું એમાં હોય કે નહિ ,અરીસો પોતાની જાત સિવાય કોઈ ને દેખાડવા નો નહિ, થાય તો વખાણ કરો ટીકા નહિ ,આપણી ખુશીમાં કોઈ ખુશ થાય કે નહિ કોઈ ની ખુશીમાં ચોક્કસ ખુશ થાવ અને ખુશી ને પ્રદર્શિત પણ કરો, અવળવાણી ભૂલ થી નહિ , સમજો તેટલું હરગીઝ બોલો નહિ ,
થોડાક ફરી આવા નિયમો તારવ્યા જેથી સંઘર્ષ ઘટે..!
અને મજા આવી ..
આટલા વર્ષમાં પેહલો આવો કિસ્સો બન્યો કે મારી આંખ સામે મારાથી અડધી ઉંમરના છોકરાઓ એ આટલા બધા રૂપિયા આટલા ઓછા સમયમાં કામ્યા હોય અને છતાં પણ ઈર્ષ્યા ને બદલે આનંદ થયો..!!
અને આનંદ પ્રદર્શિત પણ કર્યો મજા બેવડાઈ ગઈ ,એક સમયે એવું લાગ્યું કે મને નવ કરોડ મળ્યા હોય ..!!!
આવું છે જીવનનું …
એકા“વન” પુરા કરી ને બા“વન” માં ઘુસ્યા છીએ જોઈએ હવે આ બા “વન” કેમ નું નીકળે છે..!
આપડું જ્ઞાન વાપરવું હોય તો વાપરજો હો પાર્ટી નો રોયલ્ટી , સકસેસ મળે તો ક્યારેક તો મન થાય ત્યારે એકાદી કીટલીની ચા જોડે મસ્કા બન , બાકી આપડે તો કટિંગમાં પણ રાજી રેહનારા તમે નવ કરોડ કમાવ તો પણ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*