મેરેજ માર્કેટ ..!!
બીજા અને ત્રીજા વેવની વચ્ચેથી પસાર થઇ રહેલી જનતા જનાર્દન બહારગામ ફરી લેવા અને રહી ગયેલા કામ ઉકેલવા એકદમ અધીરી થઇ ગઈ છે ,
બાહરગામ ફરવાની વાત કરીએ તો પેલા ટોટલ ફ્રસ્ટેટ ટીંડરિયા હોટેલમાં રૂમ બુક કરી ને એડવાન્સ પેમેન્ટ કરી મુક્યું હોય ને પછી ટીંડર ઉપર ચેટીંગ ચાલતું હોય કે ઝટ કોઈ હા બોલે ને સીધો કે સીધી હોટેલ ઉપર બોલાવી લઉં..!
એકદમ “અડી ને આઈ” રહ્યો કે રહી હોય એવી રીતે ફરવાની હવસ પૂરી કરવા દુનિયાભરની પ્રજા દોડી રહી છે…!!
ઘરમાં ને ઘરમાં અમે તો કંટાળી ગયા ,
કોનાથી પણ ? ઘરથી ? કે વરથી ? કે પછી ઘરવાળી થી ?
મારી તો ચારેબાજુ ફરવાના હડકવા ઉપડેલા લોકો વસી રહ્યા છે અમુક અમુક ને તો એકવાર ગયા ,બે વાર ગયા, ત્રણ વાર ગયા, પછી પણ ધરાઉં નહિ , લડી જ લેવું છે રમઝટ બોલાવી જ લેવી છે ..!!
હશે ત્યારે ..!
એક બીજા માર્કેટમાં પણ જબ્બર તેજી આવી છે .. મેરેજ માર્કેટમાં ..!!
દોઢ બે વર્ષથી બધું શાંત શાંત હતું ,છોકરા છોકરી જોવાના પ્રોગ્રામ ધીમા ચાલી રહ્યા હતા ,લોકડાઉનમાં તો લગભગ બંધ હતા ,નાના મોટા ચેટીંગ ચાલતા પણ કઈ નક્કર થતું નહિ એટલે અત્યારે તો જેના ઘરમાં ઢાંઢાં વધી ગયા છે ત્યાં રીતસર ઝુંબેશ ચાલે છે ,ગમ્મે તે રીતે લાકડે માંકડી કે માકડું વળગાડી જ દો..!!
માંબાપ ની અધીરાઈ વધી ગઈ છે , ઝટ પાર પાડો જ પાડો ..!!
મેરેજ બ્યુરો હકડેઠઠ જાય છે ..!
નગરી અમદાવાદમાં મેરેજ બ્યુરોમાં પણ ઘણી વેરાઈટી આવી છે ..!
અમારા જમાનામાં એક કાકા ઘેર ઘેર ફરતા ,એમની સ્કેનરની નજરે જોઈ લ્યે કે પાર્ટી કેટલામાં “રમી” રહી છે અને પછી સામે બિલકુલ એવું જ ઘર લાવે , પાત્ર કેવું એ ગૌણ હતું પણ ઘર બિલકુલ મેચ કરી ને તમને આપે..!!!
ફ્લેટ ને કોઈ જ પ્રકારની પ્રાયોરીટી એ કાકા આપતા નહિ ફક્ત બંગલા અને એ પણ પશ્ચિમ અમદાવાદ ના જ ફક્ત અને ફક્ત, બે ત્રણ ચાર ગાડીઓ હોય તો કાકા એકાદી છોકરી માંડ બતાવે ,બાકી તો તમારી ચા પણ ના પીવે ..!!
આજ ના જમાનામાં મેરેજ બ્યુરોએ `એ` કાકા નું સ્થાન લઇ લીધું છે ..!
એકે એક ડીટેઇલ તમારી ખોદી કાઢે, છોકરીવાળા હોય કે છોકરાવાળા હોય, આખ્ખો સિબિલ રીપોર્ટ માંગે માંબાપ ,મોસાળ ,ફઈ દરેકે દરેક નો ..!!
કોડ ભર્યા ના ઘરના ખૂણે ખૂણા જોઈ ને સામે પાત્ર બતાવે..!!
પેલી જૂની કેહવત ને તો ક્યાંય કચરાની ટોપલીમાં ફેંકી દીધી છે ..!
“ઘરમાંથી વર નહિ થાય ,વરમાંથી ઘર થશે..!!
ઘર ને ના પરણાય વરને પરણાય..!!”
સામે પક્ષે પણ હવે એકની એક કે બે જ દીકરીઓવાળા અને જરાક સમજુ ઘરો દીકરીઓ મોટી થાય એટલે પોતાની જાત ને જરાક સંકોરી લ્યે છે ,
અમારા રૂપિયા જોઈ ને જો કોઈ પરણવા આવી ગયો અને પછી પાછળથી કઈ ખેલ કરે તો ..?
મેરેજ માર્કેટમાં ચારે બાજુ સારું એવું અસલામતી અને અવિશ્વાસ નું વાતાવરણ છે..!!!!
બીજી સમસ્યા દારુ ,વત્તા સિગારેટ ,વત્તા વીડ ,વત્તા એસીડ ,વત્તા ,વત્તા .. નશા ની છે..!!
ત્રીજી સમસ્યા સોશિઅલ મીડિયા ચોથી ઉછેર કેવી રીત નો ?
પાંચમી , છઠ્ઠી એક પછી સમસ્યાઓ દેખાતી જ જાય છે ..!
રિસ્ક લેવા કોઈ જ તૈયાર નથી બંને બાજુ ..!!
નાત જાત તો ઉપલી સર્કીટમાં લગભગ ભુલાઈ ગઈ છે ,ભણતર અને રૂપિયા આ બે પેહલા ક્રાઈટેરિયા પછી એક પછી એક આગળ વધતું જાય..!!
લવમાં પડી લીધા પછી મેરેજ ના કર્યા હોય એટલે એરેન્જ સુધી વાત આવે , બહુ ઓછા બચ્યા હોય કે લવમાં પડ્યા વિના સીધા એરેન્જ સુધી આવે પણ છાશ ને ફૂંકી ફૂંકી ને પીવે ..!
જો કે મને તો એક મિત્રના મમ્મી એ જોરદાર ખખડાવ્યો હતો આ છાશ ફૂંકી ફૂંકી ને પીવામાં ધ્યાન રાખજો સત્યાવીસ તો થયા તને પછી તારી છાશ ખાટી થઇ જશે ને તો પછી ખાટી છાશ ઉકરડે જાય હો પછી..!!!
આજે એ વાત બરાબર યાદ આવે છે અત્યાર ની વાતો અને સંજોગો જોતા બીજાની છાશને ફૂંકી ફૂંકી ને જોવમાં પોતાની છાશ જો ખાટી થઇ ગઈ ને તો પછી ઉકરડો જ ..!!!
બંને બાજુ ના દ:ખ છે ..!
વારો હવે કિસ્સા નો
એક સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનું બાળક એક સાંજે મારી જોડે બેઠું હતું ,ઘણું અનુભવી પણ આપણે `જોડે` હતા એટલે આપણા “વધારે” અનુભવ નો લાભ લેવાની એને ઈચ્છા થઇ..!
ભ`ઈ ઓનલાઈન આ`ઈ છે.. હાઈ નો મેસેજ મોકલે છે ?
મેં પૂછ્યું કોણ ? કાલે એના પપ્પા મને જોઈ ગયા હતા એ ..
મેં કીધું વાત કરો .. સામે હાઈ નાખો ત્યારે .. ડીપી ચેક કરો ..
ડીપી કાઢી નાખ્યું છે .. અમે કીધું સ્માર્ટ બાકી ..બીજા સોશિઅલ મીડિયા ચેક કર્યા ,ટાઈમલાઈન જોઈ લીધી ?
હા ભ`ઇ આપડા આપડા જેવું જ છે ..
સામેથી જવાબ આવ્યો કોઈ સ્પેશિઅલ એક્સપેકટેશન ખરા ?
બાળક બોલ્યું ..તૈયાર લાગે છે આપડા થી પેહલા ઘણા આવી ગયા લાગે છે.. શું જવાબ આપું મેં કીધું તને શું સુઝે છે એ લખ ..તારે પૈણવા નું છે મારે તો હવે બોહત ગઈ ને થોડી રહી ..!
હું તો ના લખું છું , મેં કીધું ના ડોબા એને ગળામાં ટાંટિયા ભરાવ કે ક્યા પ્રકારના એક્સપેકટેશન એવું સામું પૂછ ..!
બાળકે સામું પૂછ્યું એટલે તરત જ જવાબ આવ્યો ,રસોઈ ,જોબ કે પછી જુદી જુદી ટાઇપ ની ફેશન અને હોબીઝ એવું કઈ ..?
બાળક બોલ્યું .. ઇન્ટરેસ્ટીંગ બાકી ઘણું રીસર્ચ લાગે છે ..હવે આગળ ?
અમે કીધું એના સવાલો ના જવાબ તું વિચાર અને આપ ..
અરે ભઈ આપણને તો શું હોય એને રાંધતા આવડે તો આપણને વાસણ ધોતા આવડે ,થોડુક એ કમાય અને થોડુક આપણે બીજું શું જોઈએ ?
મેં કીધું ..લખ લખ બધું સારી ભાષામાં .. બાળકે ટાઈપ કર્યું સામેથી સ્માઈલી આવી .. ભઈ હસી .. મેં કીધું ફસી ..!!
સામેથી સવાલ આવ્યો વ્યસન..?
ભઈ શું કહું ? મેં કીધું ..સાચ્ચું લખવા નું ..
દારૂ ઓકેઝનલી , સિગારેટ છોડી દીધી ..
ભઇ ઓફલાઈન જતી રહી.. આવશે આવશે ધીરજ રાખ ..
ના હો હું તો સામે પૂછી લઉં છું કે તારે કોઈ વ્યસન..?
મેં કીધું અલ્યા એવું ના પુછાય કોઈ છોકરી ને .. બાળક મક્કમ અવાજે બોલ્યું ના હો એ બધું તમારા જમાનામાં ,અત્યારે તો પૂછવું જ પડે ..!!
બાળકે પૂછી લીધું અને સામે જવાબ આવ્યો ના ખાસ નહિ .. બાળક બોલ્યું જોઈ લો ખાસ નહિ એવું લખે છે બોલો હવે ..?
આપણી બોલતી બંધ ..!!
બાળક બોલ્યું …લે`તી હશે ક્યારેક ક્યારેક, હવે જુવો હું લઉં એને …અડધો કલાક બીજું ચેટીંગ ચાલ્યું “અનુભવી” એમની બોબડી બંધ કરી ને ચુપચાપ બેઠા રહ્યા છેલ્લે કથાસાર માંગ્યો ..!
ભ`ઈ હોસ્ટેલમાં હતી ત્યારે ક્યારેક વ્હાઈટ પીતી હતી અને ગુજરાત બહાર બે ત્રણ વાર મિત્રો જોડે ગઈ ત્યારે, પણ લગન પછી આપડે પીવડાવીએ તો પ્રેમથી પીશે..!
આંખો પોહળી કરી ને અમે પૂછ્યું … ફૂંકણી ?
એની ઘસી ને ના પડે છે ,પણ મને પીવી હોય તો પીવા ની છૂટ છે .. ઘરની માર્કેટ વેલ્યુ પૂછે છે ??!!!! બોલો કેટલી કહું ..!!
અનુભવી ના અનુભવની બહારની વાત હતી .. મેં કીધું બકા તું જ લડી લ્યે આપણે કવીટ ..!!
અજબ ગજબ ની દુનિયા થઇ ગઈ છે એરેન્જ મેરેજ ની ..!!
ગભરામણ થઇ જાય છે , નેક્સ્ટ લેવલ જોઈએ છે લગ્ન પછી દરેક ને આર્થિક સામાજિક અને માનસિક ..!!
તું અને હું સાથે ઘરડા થઇશું , સંસાર માંડી ને થોડી ઝઘડો ,કજીયો ,કકળાટ અને એકબીજા માટે શું કરીશું એવી કોઈ વાત જ નહિ બધું પરફેક્ટ જોઈએ , હું રાંધુ તો તારે વાસણ ઘસવાના જ ..!!
માંબાપ ની પણ અપેક્ષાઓ ના પાર નહિ, જાણે પોતે ફરી પરણવાના હોય એવી બધી વાતો ..!!
હશે ત્યારે પરભુ કહી ને ગયા છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તે થવા દો ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*