PAGE-1
અમદાવાદ ની એક સાધારણ સરખી મધ્યમ વર્ગના માણસો માટેની સામાન્ય પ્રાઈવેટ હોસ્પિટલ, અને તેના આઈસીયુની બહાર નો તેનો વેઈટિંગ રૂમ,
આઈસીયુ માંથી બહાર આવીને હોસ્પિટલના વેઈટીંગ રૂમમાં એક નર્સે બુમ મારી.. તિલોત્તમાબેન ના સગા કોણ છે..??
એક પંચાવન વર્ષના આધેડ અવસ્થાએ પોહચેલા અનુરાગભાઈ ઉભા થયા અને બોલ્યા..હું છું , બોલો સિસ્ટર ..
નર્સે પૂછ્યું..શું સગા છે તમારા…?
મમ્મી છે મારા..
ડોક્ટર તમને મળવા બોલાવે છે ..
હા ચાલો..
પંચાવને પોહચેલા અનુરાગભાઈ ને બેંચ પરથી ઝડપથી ઉભા થઇ ગયા, અને એમને લઈને આઈસીયુમાં નર્સ લઇ ને ગઈ અને અનુરાગ ભાઈ આઈસીયુ નું બારણું ખોલીને આઈસયુમાં દાખલ થયા, અનાયાસે અનુરાગ ભાઈએ સેહજ નજર મારી પોતાના મમ્મી તિલોત્તમાબેનના પલંગ તરફ..
અનુરાગભાઇ ને તિલોત્તમાબેનનું શરીર થોડું ઝટકા મારતું હોય એવું લાગ્યું એટલે, એ તરત જ ડોક્ટર ને મળવાને બદલે સીધા ત્યાં પોંહચી ગયા..તિલોત્તમાબેન શ્વાસ નોહતા લઇ શકતા એમની આંખો એકદમ ઉપર ચડી ગઈ હતી, અનુરાગભાઈની પાછળ આવેલી અને તિલોત્તમાબેન ના પલંગ પાસે ઉભેલી એમ બંને નર્સે મોટેથી બુમ મારી ..ડોકટર એસપી ઓ ટુ જાય છે..
ધડાધડ ડોકટર અને બીજી બે ત્રણ નર્સો દોડી અને તિલોત્તમાબેનના બેડ પાસે આવી ગયા..
ડોકટરે બુમ મારી વેન્ટી લાવો..પલ્સ બીપી ફોલ.. કાર્ડિયાક હેરેસ છે ટ્રોલી લાવો…એટ્રો ફાસ્ટ..બીજા બે મેઈલ નર્સ આવી ગયા..
અનુરાગભાઈ સમજી ગયા બહુ જ ઈમરજન્સી છે, એકદમ ધડાધડી મચી તિલોત્તમાબેનના બેડ પાસે , ફટાફટ મોઢા પરનો ઓકસીજન માસ્ક હટાવ્યો..અને ડોકટરે અનુરાગભાઈને કીધું વેન્ટીલેટર મુકવું પડશે,
અનુરાગભાઈ એ કીધું મુકો , ડોકટરે તરત જ વેન્ટીલેટર ચાલુ કરી અને તિલોત્તમાબેનના મોઢામાં વેન્ટીલેટરની પાઈપ નાખી દીધી ,ડોકટરે કીધું બહાર બેસો તમે, હાર્ટ એટેક છે ,અમે પ્રયત્ન કરીએ છીએ, આગળ ઈશ્વર ની મરજી ,
અનુરાગભાઈ આઈસીયુમાંથી બહારના વેઈટીંગ રૂમમાં ગયા અને એમના બધા સગા વાહલાને ફોન કર્યા મમ્મી સીરીયસ છે,હાર્ટએટેક આવ્યો છે, જલ્દી આવો
અડધા કલાકમાં તો આખો વેઈટીગ રૂમ ભરાઈ ગયો તિલોત્તમાબેનના સગાવહાલાથી..
સગાવહાલાઓ ની અંદર અંદર ચણભણ પણ ચાલુ થઇ ગઈ ઘણી ઉમર છે પંચોતેર વર્ષ ઉપર તો થયા,ના ના હવે આ ઉમર કઈ આ જમાનામાં મરવા ઉમર નથી, કૈક લોકો હવે એશી, પંચ્યાશી અરે છેક નેવું વર્ષ સુધી સારી રીતે જીવે છે, પણ હવે તો આ વેન્ટીલેટર મુક્યું એટલે હવે કેટલા દિવસ..?પણ બ્રેઈન સ્ટ્રોક હતો એમાં હાર્ટએટેક કેવી રીતે આવ્યો..?
શીંગ નું પડીકું/PAGE-1/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
No Comments