ચૂંટણી ૨૦૨૨
નગરી અમદાવાદે આજકાલ ઠંડીના ચમકારા વર્તાય છે..
ગઈકાલે રાત પડ્યે આપણો ઈટાલીયન ઘોડો પલાણ્યો હતો,
ઇટાલિયન ઘોડાના અસવાર એવા અમે નવા પશ્ચિમ ઝોનના ખૈર ખબર લેવા નીકળ્યા હતા.. ચૂંટણીના માહોલ બરાબર જામ્યા છે, ગાડીઓની ભરમાર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બાહર દેખાય છે..! રૂબરૂ મળવાનો જમાનો લગભગ પૂરો થઇ ગયો છે એટલે જે કઈ છે તે બધું સોશિઅલ મીડિયા ઉપર જ…દિવાળીએ પણ કાકા મામાના ઘેર જતા જોર આવે છે જનતાને તો બીજી કઈ અપેક્ષા રાખવી ?
કાર્યકરો પણ ઘેર ઘેર જવા માટે માંડ ભેગા થાય છે, ફ્લેટ્સની ગ્રુપ મીટીંગમાં દસ બાર અને બહુ થયા તો પંદર વીસ માણસો માંડ દેખાય છે ..
પબ્લિક રોજ સવાર પડ્યે વોટ્સ એપ ઉપર કે પછી આખા દિવસ દરમ્યાન ગમે ત્યારે જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપમાં એકાદી પોસ્ટ નાખીને માટીડો પોતાના અસ્તિત્વની હાજરી પુરાવી દે ..
હું જીવું છું ..!
હવે વાત અને વારો …રોજ પૂછાતો સવાલ..
શું થશે ?
તો પછી આ વખતે મન કળવા વધારે અઘરા થઇ ચુક્યા છે.. શેહરી માણસ ધીમે ધીમે સંકોચાતો જાય છે,એની જરૂરિયાતો વધતી ગઈ છે, જિંદગી ઉધારીએ ચડી ગઈ છે, ઘર હોય કે વેહિકલ બધું હપ્તે ચાલતું હોય છે, કમાવું મજબૂરી બની ચુક્યું છે એટલે રાજકીય બાબતમાં ઝાઝી મગજમારી કરવાના મૂડમાં લોકો દેખાતા નથી ..!
પણ “બ્રાંડ મોદી” ગજ્જબની મજબૂતી દેખાડી રહ્યું છે અત્યારે તો સોશિઅલ મીડિયા ઉપર , કોંગ્રેસ બિલકુલ બેકફૂટ ઉપર રમી રહી છે.. કોંગ્રેસની લડાઈ ભાજપના ખૂટતા ધારાસભ્ય પૂરા પાડવા માટેની હોય એમ લાગી રહ્યું છે ..!!
છેલ્લા પાંચ વર્ષના કોંગ્રેસી ધારાસભ્યોના પક્ષપલટા એ કોંગ્રેસની શાખને બહુ મોટો ધક્કો માર્યો છે, આમ આદમી પાર્ટી પાયેથી ઉભી થઇ રહી છે એટલે શક્યતા અને સંભાવનાઓ ભરપૂર દેખાઈ રહી છે..!
કેશુભાઈ પટેલ પછીના મુખ્યમંત્રીઓ ગુજરાતને પેરાટ્રુપર મળ્યા છે , નસીબના જોરે મુખ્યમંત્રી થઇ ગયા હતા, લગભગ દરેક વ્યક્તિ ..! પોતાના નામ ઉપર ચૂંટણી લડ્યા નથી, હા મુખ્યમંત્રી થઇ ગયા પછી ફરી વખત મુખ્યમંત્રી બનવા ચૂંટણી લડ્યા છે પણ પેહ્લો મોકો તો હાથણીએ કળશ ઢોળ્યો અને મળ્યો ..!!
રાજરમતો ચરમસીમાએ જઈને રમાઈ રહી છે, જો કે રાજ રમત શબ્દ જ એવો છે કે જેની કોઈ જ સીમાઓ નથી હોતી,આપણા જેવા સામાન્ય માણસો માટે અક્કલ બાહરની વાતો લાગે એવું છે,
પણ એનું નામ જ રાજનીતિ..!!
અમદાવાદની ગલીઓમાં ભૂંગળા વાગી રહ્યા છે, રાત પડ્યે મસ્ત મજાની ઠંડીમાં ચૂંટણીઓ ગાજી રહી છે ,બધું જો અને તો માં ચાલી રહ્યું છે..! એક સમયે ઓછું મતદાન ભાજપને મારતું અને હવે ઓછું મતદાન ભાજપને તારી રહ્યું છે, જે કોઈ નિર્ણય આવશે તે ગઈ ચૂંટણીમાં ઓછા માર્જીનએ હારજીત વાળી સીટો નિર્ણય આપશે,શેહરી વિસ્તારો ભાજપ, પણ જ્યાં ત્રિપાંખીયો જંગ છે ત્યાં પણ ભાજપ ફક્ત જ્યાં ભાજપ વિરુદ્ધ ભાજપ છે ત્યાં ગડબડ..જુવાનીયા મોદીના મોહમાં તણાયા છે અને આધેડ તો હતા જ..
ગઈ ચૂંટણી ૯૯ આપીને ગઈ હતી અને પછી પાછળથી ખેલ પાડીને પાંચ વર્ષ ખેલ ભજવ્યો..આ વર્ષે સ્પષ્ટ બહુમતીથી છેટું રહ્યું તો કમઠાણ મોટું ..
જો કે લાગતું નથી ..!
મને પોતાને હજી પણ “બ્રાંડ મોદી” ઉપર ઘણો ભરોસો છે, મીડિયા પેઈડ પ્રમોશન કરી રહ્યું છે કે પછી મફત પ્રમોશન કરી રહ્યું છે એ મીડિયા જાણે ,પણ એટલું નક્કી છે કે દરેક નબળી સીટો માટે `સાહેબ` નો આંટો સંજીવની પુરવાર થાય તેમ છે ..!
સાહેબને પણ હવે એમનો ખોરાક (રોજ ની બે કિલો ગાળો ) ગુજરાતમાંથી મળતો એ લગભગ બંધ થઇ ગયો છે..ઘણું બધું ગોઠવાઈ રહ્યું છે એક પછી એક..
મારો અંદાજ મુકું તો ભાજપ ૧૨૭ થી ૧૩૭ સીટો, કોંગ્રેસ વગર લડ્યે ૪૪-૫૦ અને આમ આદમી પાર્ટી ૬-૧૦ ઉપર આવીએ ઉભી રહે ..!
રામના નામે પથરા તરે એમ આ વખતે “બ્રાંડ મોદી”ના નામે ઘણા બધા પથરા તરી જશે.. નરેન્દ્ર મોદી પોતે લડ્યા હતા અને મળી હતી એના કરતા પણ વધારે સીટો મળી જાય તો નવાઈ નથી, અમુક ઉત્સાહી જીવો તો ત્યાં સુધી જતા રહ્યા છે કે ૧૫૦ ઉપરની ભાજપની સીટો આવી જાય તો અગિયારે અગિયાર રાજ્યસભાની સીટો ભાજપની થઇ જાય ..!
પણ એટલા બધા આશાવાદી થવું એ પણ ખોટું છે ,
જો કે આ વાત ઉપરથી એટલી ખબર પડે કે હજી પણ રાજ્યસભા એ દુખતી નસ છે , પૂર્ણ બહુમતી રાજ્યસભામાં નથી એ સોનાની થાળીમાં લોઢાની મેખ છે ..!
ગુજરાત ચૂંટણી પછી શું ? એ સવાલ પણ અત્યારથી પુછાવાના ચાલુ થઇ ગયા છે, ભાજપની રાજકીય લેબોરેટરી ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ પાડી દેવાશે ?
કદાચ હા ..અને આવનારા પાંચ વર્ષમાં ઘણું બધું નક્કર ગુજરાતને આપવું રહ્યું કેમ કે આમ આદમી પાર્ટીને એટલી ચોક્કસ ખબર છે કે હવે દિલ્લીની ગાદીનો રસ્તો ગુજરાત થઇને જાય છે, જે એક જમાનામાં ઉત્તરપ્રદેશથી જતો ..
એડી ચોટીનું જોર આમ આદમી પાર્ટી મારી રહી છે, ૨૦૨૨ની વૈતરણી પાર કર્યા પછી પાછળ જ ૨૦૨૪ છે..
૨૦૨૭માં ગુજરાત મોટો ઉલટ ફેર આપી શકે તેમ છે..!
બ્રાંડ મોદી અત્યારે ટોચે છે, ઈતિહાસ સાક્ષી છે કે બહુ મોટી બ્રાંડના પતન અચાનક જ થયા છે, જો કે બ્રાંડ મોદી એ બે દસકાની મેહનત છે એટલે એમ ધરાશાયી ના થાય પણ એક ની એક વ્યક્તિ અને વાતથી પ્રજા મોઢું ઝટ ફેરવે છે, એટલે ૨૦૨૪ જીત્યા પછી અને ૨૦૨૭ આવે તે પેહલા બાપને મોટા કરનારા દિકરાઓની ખાસ જરૂર પડશે..!
મોદી સાહેબ ભલે કેહતા હોય કે મારો વંશ હું અને મારો વારસ હું , મને બહુ ગમતી વાત છે આ ,છતાંય આજે કહું છું કે રાજકારણ હંમેશા વારસ માંગે છે, વારસદાર માંગે છે ..!
જેમ જેમ દિવસો અને વર્ષો આગળ વધશે તેમ તેમ એ માંગણી પ્રબળ બનતી જશે , કોઈક જુવાન ચેહરો તૈયાર કરવો રહ્યો ભાજપને નહિ તો કોંગ્રેસ જેવા હાલહવાલ થતા વાર નહિ લાગે ,
આમ પણ આજનું ભાજપ કોંગ્રેસયુક્ત ભાજપ છે , ચોર ચોરીથી જાય પણ હેરાફેરીથી તો ના જ જાય ..! કેસરિયો ખેસ પેહરે એટલે જે સળીસંટા કરવાની ટેવ હતી એ એમ ઝટ જાય નહિ અને નબળી ઘડીમાં તો ઘરના ભેદી જ લંકા ઢાયે ..!
સત્તા અને સટ્ટા બંને જોડાયેલા છે ..!!
૧૪૦ + સટ્ટા બજાર ..!!
છતાંય ન જાણ્યું જાનકી નાથે..
રાહ જોવી રહી ..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*